Saturday, 20 August 2016

ઢળતી સાંજે

એક પ્રકારની ઉત્તમ મૂવીની ચર્ચા કરવી છે, આશા છે વાચકોને આ મૂવીની વાર્તા પસંદ આવશે. એક સ્પષ્ટતા: હું પોતે કોઈ ફિલ્મ આલોચક નથી કે નથી કોઈ વિખ્યાત લેખક કે હું મારા વિચારોને અલંકૃત ભાષામાં વ્યક્ત કરી શકું.

બંગાળી મૂવીઝની એક ખાસિયત છે, એકદમ અલાયદી. અનોખી, વિચાર પ્રેરક. દિગ્મૂઢ કરી નાખે તેવી. જો  આપણા ફીલ્મ મેકર્સ સાઉથની મૂવીની ઉઠાંતરી કરવાને  બદલે એકાદ બંગાળી મૂવીની રીમેક બનાવવા માંડે તો વિચારી  જુઓ આપણી બૉલીવુડ મૂવીસનું  સ્તર  ક્યાં સુધી રેકોર્ડ  તોડી નાખે ???!!! જાણું છું, આ ભાષા સમજનાર સમજી શકે, પણ જે ના સમજી શકે તો? હું બેઠો છું ને સમજાવવા. વેલ આ વાર્તાને હું ત્રણ ભાગમાં વર્ણન કરીશ; આરંભ, મધ્યાહ્ન અને અંત.

શરુ કરીએ આરંભથી.

લગ્નના 49 વર્ષની પૂર્ણતાના આરે આવેલ વયોવૃદ્ધ દંપત્તિ વચ્ચેના અંગત પણ બાળ સહજ નિર્દોષ, પારસ્પરિક સમજણભર્યા પ્રેમાળ વાર્તાલાપની વાત છે આ ફીલ્મમાં.

વિશ્વનાથ મજૂમદાર જે પુસ્તકોના પ્રકાશક, બુદ્ધિજીવી ઠરેલ માણસ. તેમની પત્ની આરતી, દીકરો બારીન, પુત્રવધૂ શર્મિ, પૌત્રીઓ આ તેમનું પરિવાર. ત્રણ દીકરીઓ બૂરી, મિલી અને પિયુ પોતપોતાનાં લગ્નજીવનમાં વ્યસ્ત. મોટો જમાઈ સોની, બીજા નંબર નો સંગીતકાર અને ત્રીજો મુંબઇમાં ફિલ્મ ડાઇરેક્ટર. આરતી નખશિખ ગૃહિણી જેનું જીવન જ ઘર અને પરિવાર સંભાળવામાં નીકળે છે. વિશ્વનાથની પ્રત્યેક જરૂરિયાતનું ધ્યાન રાખવું એજ  માત્ર તેનો પત્ની ધર્મ અને  જીવનનો ધ્યેય..

એક દિવસ વિશ્વનાથે આરતીને કહ્યું વિજયાદશમીએ દરેકને ફોન કરી બોલાવે જેથી તે એક અગત્યની જાહેરાત કરી શકે. દરેકને આમંત્રણ પહોંચી ગયું. સૌ પોતપોતાની કલ્પનાઓને લઈને આવી ગયા. સહુના મન માં એમ કે વિશ્વનાથ પોતાનું વિલ જાહેર કરશે, સહુ પોતપોતાનાં હિસ્સા વિષે કલ્પનાઓમાં મગ્ન. દશેરાએ વિશ્વનાથે જાહેરાત કરી કે તે લગ્નના 49 વર્ષ વીતવા આવ્યા એટલે તેની પત્ની આરતી સાથે છૂટાછેડા લઈને પોતાનું સ્વતંત્ર જીવન જીવવા  ઈચ્છે છે અને આ માટે તે સંપૂર્ણ  સ્વાધીન છે. આ પછી તે કોઇની એક પણ દલીલ સાંભળવા તૈયાર નથી. સ્વાભાવિક રીતે દરેક સભ્યની પ્રતિક્રિયા અપેક્ષિત હતી. કોઈએ ગુસ્સામાં વ્યક્ત કરી તો કોઈએ રોઈને. સૌ જમાઈ ભેગા મળીને જાણવા પ્રયત્ન કરે છે કે નક્કી વિશ્વનાથનો લગ્નેતર સંબંધ હોવો જોઈએ નહીં તો લગ્નના આટલા વર્ષ વિત્યા પછી આવો નિર્ણય શું કામ?

અનેક દલીલ પછી વાત પહોંચી family courtમાં.જજ ના પૂછવા પર આરતીએ વિશ્વનાથના નિર્ણય માં સંમતિ દર્શાવી. કોર્ટનો ફેસલો આવ્યો કે વૃદ્ધ દંપત્તિ 15 દિવસ માટે ક્યાંક બહાર જાય ફરવા અને પરસ્પરની મંજુરીથી સ્વેચ્છાએ શું નક્કી કરવું તેનો અંતિમ વિચાર કરી પોતાનો નિર્ણય કોર્ટ સમક્ષ રજૂ કરવો. વિશ્વનાથ અને આરતી સિવાય ના તમામ સભ્યના મનમાં એક જ તાલાવેલી હતી કે આખરે આવા વિચિત્ર નિર્ણય નું મૂળ કારણ શું?

તો આખરે જજનાં ચુકાદા મુજબ આરતી અને વિશ્વનાથ તેમના ફાર્મ હાઉસ પર જવાનું નક્કી કરે છે પણ આરતીની હઠ, કે જઈએ તો બધા દીકરીઓ જમાઈઓ, પુત્ર, પુત્રવધુ, પૌત્રો પૌત્રી સહિત સપરિવાર જઇયે, નહિ તો નહિ. વિશ્વનાથે અકળાયીને કીધું "જો આરતી જજે આપણને બંને ને એકલા સાથે જવાનું કીધું છે!" પણ આરતી એકની બે થવા તૈયાર નથી. વિશ્વનાથે અંતે મૂક સંમતિ આપી દીધી। બીજી તરફ સૌના આતુર મન માં ચટપટી ચાલી રહી હતી કે એવું તો શું કારણ છે? ફાર્મ હાઉસ પર પહોંચીને સૌ પોતપોતાના રૂમ માં ગોઠવાયી જાય છે. ફાર્મ હાઉસથી આગળ એક મનોરમ્ય ઘનઘોર જંગલ હતું. પણ ત્રીજો જમાઈ જે ફિલ્મ ડિરેક્ટર છે તેના મનમાં કઇંક જુદી જ રમત ચાલી રહી હતી. તે વિશ્વનાથ અને આરતીના રૂમ માં છુપા કેમેરા અને માઈકનો બન્દોબસ્ત કરાવી દે છે જેથી કરીને તેનું લાઈવ ટેલિકાસ્ટ તેઓ બીજા જમાઈ સાથે અન્ય રૂમ માં બેસીને જોઈ શકે અને સાંભળી શકે.
તે રાત્રે આરતી એ વિશ્વનાથને પૂછ્યું "કઈ કહેવા માંગો છો કે?" વિશ્વનાથે નકારમાં ડોકું ધુણાવી ને કીધું કે "થાકી ગયો છું સુઈ જઇએ". બીજા દિવસે વહેલી સવારે બંને જણ મોર્નીગ વોક માટે લીલાછમ જંગલમાં ગયા, ચાલતા ચાલતા થાકીને બન્ને એક ટેકરી પર બેઠા.
(હવે પછીનું વર્ણન સંવાદ રૂપે જ વાંચવામાં મજા આવશે, એટલે હું આરતી અને વિશ્વનાથ વચ્ચે નો શબ્દસઃ વાર્તાલાપ અહીંયા રજૂ કરીશ)
ત્યાંનું વાતાવરણ અને ખરતા પાન જોઈને આરતી બોલી "આ ખરતા પાનવાળુ દ્રશ્ય કેટલું સુંદર લાગે છે! નહિ? મને પહેલેથી પાનખર ઋતુ ગમતી! આ સાંભળીને વિશ્વનાથ કહે "તો તને પાનખર ગમે છે એમ ને? બોલો, આટલી વાત જાણવામાં મને 50 વર્ષ નીકળી ગયા પણ તે કદી કીધું કેમ નહિ?
આરતી: તમે કદી પૂછ્યું પણ નહિ. મને તો એમ હતું કે મને ક્યાંય બહાર લઇ જવામાં પણ કદાચ તમને શરમ આવતી હશે, કેમકે હું એટલું ભણેલી ગણેલી નોતી.ગ્રેજ્યુએટ પણ નોતી એટલે કદી તમારા પુસ્તકની દુકાને આવી નહિ.તમારી દુકાને કોનું કેટલું સાહિત્ય છપાય છે, વેચાય છે મને એની ખબર કેવી રીતે રહે?
વિશ્વનાથ: હા, આપણી દુકાને બહુ બધા સાહિત્યકાર તો આવતા, જેમકે પ્રબોધકુમાર સાન્યાલ, ગજેન્દ્રકુમાર મિત્ર, શિવરામ ચક્રવર્તી વગેરે વગેરે
આરતી (શરમાતા): મેં પ્રબોધકુમાર સાન્યાલનું પુસ્તક વાંચેલું છે. તમે જયારે પણ એનું રફ લખાણ લઈને ઘરે આવતા, તમારા દુકાને ગયા પછી હું એ બધું જ બપોરે વાંચતી, પણ તમને કદી કીધું નહિ, ના કરે નારાયણ ને ક્યાંક તમે ગુસ્સામાં એ બધું લાવવાનું જ બંધ કરી દેત તો? ખબર છે આપણા સમયમાં મને ઉત્તમકુમાર ખુબ ગમતો। હું તો તેની પાછળ પાગલ, તેની એક એક મુવી મેં ચાર ચાર વાર જોયેલી છે. મારી અંદરની એક ઈચ્છા છે કે ફરિદપુરમાં મારુ પિયર, એ ગામમાં એક વાર જાઉં ત્યાં મારા પૂર્વજોનું મકાન છે, મારા પિતા, દાદા બધા ત્યાં જ મોટા થયા છે. અને ત્યાંથી જયારે હું લગ્ન કરીને આપણા ઘરે આવેલી એ જુના ઘરે પણ જવું છે.
ઘરે આવીને બંને પોતાના રૂમમાં આરામ કરવા જાય છે. પણ તેઓ આ વાત થી અજાણ છે કે તેમના રૂમમાં માઈક અને કેમેરા છુપી રીતે ગોઠવાયેલા છે અને બીજા રૂમમાંથી તેમના જમાઈઓ, દીકરીઓ, પુત્ર અને પુત્રવધુ સહુ ભેગા બેસીને ધ્યાનથી સાંભળે છે.
વિશ્વનાથ: તો તને ઉત્તમકુમાર ગમતો એમ ને? (ગંભીર થઈને) વેલ, આરતી, મને એમ લાગે છે આપણી વચ્ચે પ્રેમ હતો કે તે માત્ર દામ્પત્યજીવન નિભાવવાની એક પ્રેકટીસ હતી? લગ્ન પછી તું અમારા ઘરે આવી, બાપુજીના ખભેથી બધી જવાબદારીઓનો ભાર તારા પર આવ્યો, ત્યારબાદ આપણા સંતાનો થયા, તેઓને મોટા કર્યા, ઉછેર્યા, તેમના પણ સંતાનોને મોટા કર્યા, પણ મારા માટે તે કેટલો સમય ફાળવ્યો? બારીનની બીજી પુત્રીના જન્મ પછી તો તે આપણા રૂમમાં સુવા માટે પણ આવવાનું બંધ કરી દીધું, તું તો જાણે તેમના સંતાનોને સાચવવામાં જ વ્યસ્ત થઇ ગયી! મને પણ મન થતું કે તારો સાથ હોય, તને મારી સાથે બેસેલી જોઉં, પણ, હું તો રાહ જોતો જ રહી ગયો. મને પણ એમ થતું કે તું મારા માટે સમય કાઢે, મારી સાથે બેસે, મારા હાથ પર તારો હાથ રાખીને મને સ્પર્શ કરે, પણ એવું કોઈ દિવસ બન્યું જ નહિ. એટલે જ કહું છું કે સાચે જ, આ બસ એક પ્રેકટીસ હતી દામ્પત્યજીવન નિભાવવાની, પ્રેમ તો નો'તોજ કદાચ,
(આરતી ચુપચાપ શાંત ચિત્તે આ બધું સાંભળતી હતી)
વિશ્વનાથ: આરતી, કેમ કશું બોલતી નથી? ચૂપ કેમ છે?
આરતી એ મૌન તોડ્યું: સ્નાન કર્યા પછી તમારો ભીનો ટુવાલ તમે પથારી પરજ છોડી દેતા, હું એ ભીનો રૂમાલ લઈને સ્નાન કરવા જતી. એ ટુવાલમાં તમારી જે સુગંધ રહેતી તે મને ગમતી, આ હતી મારી પ્રેકટીસ,
જમ્યા પછી તમે થાળીમાં જે કઈ પણ જમેલુ અધૂરું છોડી દેતા, હું કનક(નોકર)ને કહેતી કે એને ફેંકે નહિ, હું તેને એજ થાળીમાં જમતી, આ હતી મારી પ્રેકટીસ,
હજુ પણ તમે જયારે બાથરૂમમાં જાઓ, બાથરૂમ ખુબ ગંધાય, કારણ? ઉંમર પણ થઇ ગઈ હવે તો તમારી, શર્મી(પુત્રવધુ) તો એક વાર પણ એ બાથરૂમમાં જઈને સાફ કરી શક્તી નથી.પણ હું એ બાથરૂમમાં જઈને, પાણી નાખી નાખીને સારી રીતે સાફ કરી નાખું, આ દુર્ગંધમાં પણ હું તમારી સુગંધનો અનુભવ કરું, આ છે મારી પ્રેકટીસ, આ પ્રેકટીસ જ તો મારો તમારા પ્રત્યેનો પ્રેમ છે."
વિશ્વનાથ અને આરતી વચ્ચે નો આ આખો વાર્તાલાપ સાંભળીને, જોઈને, અન્ય રૂમમાં બેસેલા તમામની આંખો છલકાયી જાય છે.
બીજી રાત્રે ફરી વાર વિશ્વનાથ અને આરતી તેમના રૂમમાં શાંત બેઠા હોય છે. અચાનક વિશ્વનાથ કહે: "આરતી, હું પ્રેમ માં પડ્યો છું"
આરતી આંચકા સાથે એકીટસે વિશ્વનાથ સામે જોઈ રહે છે જયારે બીજા રૂમમાં બેઠેલા તમામ આ સાંભળીને આનંદમાં આવી જાય છે કે તેમની શંકા સાચી નીકળી
વિશ્વનાથ: હું વારે વારે એના પ્રેમમાં પડ્યો છું.
આરતી: કોના?
વિશ્વનાથ: એક છોકરીના,. ત્યારે તો બાપુજીએ મને એક દિવસ એ છોકરીનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો આપેલો, હું એકલા બેઠા બેઠા એ ફોટોને બસ જોયા જ કરતો, શું ચહેરો હતો એનો! શું એનું રૂપ! હું તો વારે વારે એ ફોટો જોયાજ કરતો, ત્યારે તો આજના જમાના જેવી ફેસબુક કે ડેટ પર જવું વગેરે જેવી સુવિધા હતી જ નહિ, હું એનો સંપર્ક પણ કેવી રીતે કરત? હું તો બસ એના સપનામાં ખોવાયેલો રહેતો, જાણે એ છોકરી મારી સામે ઉભી હોય, મારા હાથ ઉપર એનો હાથ રાખીને મારી સામે જોઈ રહેતી હોય. અને એ સપનું તૂટી જતું,.
આરતી: પણ કોણ હતું એ?
વિશ્વનાથ: એ છોકરી હતી, તું!
(આરતી ખુશ થતા થતા મંદ મંદ શરમાય છે.)
આરતી: તો આટલા વર્ષ સુધી કીધું કેમ નહિ? કેમ ચૂપ રહ્યા?
વિશ્વનાથ(હસીને): કારણ, એના પર હું અભિમાન કરતો
------------------------
પછીના દિવસે વિશ્વનાથ, આરતી તથા સંપૂર્ણ પરિવાર પાસેના ગામમાં એક મેળામાં જાય છે. ત્યાં આરતી પરિવારના દરેક સદસ્ય માટે કૈંક ને કૈક ગિફ્ટ ખરીદે છે. આખો દિવસ મેળાની મજા માણ્યા પછી ફાર્મહાઉસ પર સૌ પોતપોતાના નિત્યક્રમમાં લાગી જાય છે. રાત્રે વિશ્વનાથ અને આરતી નવરાશની પળોમાં બેઠા હોય છે. આરતી દરેક માટે ખરીદેલી વસ્તુઓ(ગિફ્ટ્સ) ને સાફ કરવામાં વ્યસ્ત છે.
વિશ્વનાથ: અચ્છા, આરતી મારા મનમાં ઊંડે ઊંડે તને લઈને બહુજ ફરિયાદો છે. આટલી બધી. આટલીઇઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ .. ....આટલી બધી. તારા મનમાં એવું મારા પ્રત્યે કઈ નથી? કોઈક પ્રકારનો ગુસ્સો? અફસોસ? ફરિયાદ? એવું કઈ જ નથી?
આરતી (ગિફ્ટ્સ ગોઠવતા ગોઠવતા): એક વાર.. તમે કોઈ બુકસેલર્સના સેમિનાર માટે દિલ્હી ગયેલા 3 દિવસ માટે, ત્યારે તો અત્યારની જેમ મોબાઇલ ફોન તો હતા નહિ. તમે એક વાર પણ ફોન કરીને ખબરઅંતર પૂછ્યા નહિ., જે દિવસે તમે ગયા એ દિવસે મીલીને ધગધગતો તાવ હતો, આખું શરીર તાપી ગયેલુ એનું, બારીન અને કાવેરી તો ત્યારે એકદમ નાના, બન્ને નાના છોકરાને લઈને હું ડૉક્ટરને બોલાવત પણ કઈ રીતે? શું કરત? રોજ રાત્રે વિચારતી કે તમે હમણાં ફોન કરશો, હમણાં ફોન કરશો, પણ તમે એક પણ વાર ફોન કર્યો નહિ. મને લાગ્યું આ ઘરસંસારની લડાઈ મારે જાત્તે એકલીએ જ લડવી પડશે, તમને તો કદી કોઈ દિવસ મુસીબતના સમયે સાથે જોઇશ જ નહિ. એક વાર મારો જન્મદિવસ, તમે મસ્ત મજાનું એક ગિફ્ટ પેકેટ લઈને આવેલા, હું તો અવાક જ રહી ગઈ કે મારો જન્મદિવસ તમને યાદ હતો! તમે બોલ્યા "જો તો ખરી પેકેટ ખોલીને કે શું છે?" મેં તો શરમાતા શરમાતા પેકેટ ખોલ્યું; હું તો આશ્ચર્યની મારી જોતીજ રહી ગઈ, મને મોટી ભીંત ઘડિયાળ નો ખુબજ શોખ હતો. તમે બોલ્યા "અન્નાદા શંકર રાય અને લીલા રાયની 30મી મેરેજ એનિવર્સરીની આ ગિફ્ટ છે, કેવી લાગી?" હું તો કઈ બોલી જ ના શકી. તમને તો યાદ જ નોતું કે એ દિવસે મારો જન્મદિન હતો. (વિશ્વનાથની સામે હતાશાની મારી જોઈને) ક્રોધ કે ફરિયાદો મગજમાં રાખીને આમ ઘરસંસાર ચલાવી શકાય કઈ?
(વિશ્વનાથ ઉભા થઈને આરતી પાસે આવીને બેસે છે)
વિશ્વનાથ: તું ભગવાન પાસે શું માંગે છે?
આરતી: પણ શું?
વિશ્વનાથ: કે હું તારા પહેલા જતો રહું એમ?
આરતી (હસતા હસતા): આ પણ જાણવાનું જરૂરી છે?
વિશ્વનાથ: પણ હું તો આ જ ઈચ્છું છું. તને સ્વાવલંબી બનાવીને જ હું તારી પહેલા ઉપર જતો રહેવા માંગુ છું.
આરતી: લગ્નના 49 વર્ષ પછી હવે? લોકો હસશે, અને હું તો સ્વાવલંબી જ છું.
વિશ્વનાથ: ના, તું સ્વાવલંબી નથી. કોઈ દિવસ હતીજ નહીં, કેટલી વાર તને લાયબ્રેરીનું ફોર્મ લાવીને કીધું કે આ ભર અને ત્યાં વાંચવા જા, પણ એ ફોર્મ માં સહી કરવાની તો દૂર, તું ત્યાં કદી ગઈ જ નહિ.
આરતી: તો ઘરસંસારનું શું? એ કોણ ચલાવત?
વિશ્વનાથ: સંસાર તો ચાલત, એના માટે કોઈની જરૂર જ નોતી, તું જ એકલી માથે બધો ભાર વેંઢારતી રહેતી, ઘરની બહાર કદી નીકળી છે તું? બેન્કમાં કદી પૈસા ઉપાડવા ગઈ છે? ના... કોઈ દિવસ બેંક લોકર માં જઈને કશું મૂક્યું છે? કઈ બહાર કાઢ્યું છે એમાંથી? ના...તારા નામે કેટલી FD છે, વર્ષે ઇન્શ્યોરંસનું પ્રીમિયમ કેટલું ભરવાનું આવે, ખબર છે તને એની? કદી દરકાર કરી છે જાણવાની?
આરતી: શું કામ એ બધું ધ્યાન રાખું? ઘરની બહારનું તમે બધું સંભાળો, ઘરની અંદરનું બધું હું સંભાળુ એટલી જ તો વાત હતી! તમને ખબર છે? ઘરમાં કેટલું અનાજ ભરાય છે? કેટલી ચાની પત્તી આવે છે? જીરું, રાઈ, બધા મસાલા ક્યાં પડ્યા છે, ક્યારે કેટલાની જરૂર હોય? કનકની મહિનાની સેલરી કેટલી છે ખબર છે?
વિશ્વનાથ: મારે એ બધું જાણવાની જરૂર નથી.
આરતી: હું પણ જાણવા નથી માંગતી।
વિશ્વનાથ: તારું આ બધું કામ તો નોકરચાકરને પણ સોંપી દો તો એ પણ કરી લે..
આરતી(હસી ને): બસ તો પછી.. નોકરચાકર સાથે જ લગ્ન કરી લેવા'તા!
વિશ્વનાથ: ના. તારે આ બધું જાણવાની જરૂર છે. જાણવું પડશે। કાલે ઉઠીને હું મરી ગયો તો મારી ગેરહાજરીમાં વધારે તકલીફ પડશે એ વિચાર્યું છે?
આરતી: પણ આપણા દીકરા, દીકરી ઓ છે જ ને?
વિશ્વનાથ: ના.. નથી. લખી લે, તેઓ કોઈજ નથી, તારે શું કામ કોઈને કહેવા સમજાવવાની જરુર? એક વાર મને સન્તોષ થાય, જોઈ લઉં કે તું હવે સ્વાવલંબી છે. સાથે રહીને તો આ કદી સંભવ થવાનું નથી.
આરતી: એના માટે છૂટાછેડા? આટલું મોટું નાટક?
વિશ્વનાથ: મારા આટલું બોલવાથી કઈ થતું નથી. ઝગડો કરીને પણ થવાનું નથી, તારી સાથે રહ્યો તો પણ કોઈ દિવસ આ શક્ય નહિ બને. આરતી, મારી વાત સમજવાનો પ્રયત્ન કર. મારા પણ કંઈક સપનાઓ છે, કંઈક ઈચ્છાઓ છે, મને પણ મન થાય કે હું એકલો રહું, જે સપના જોયા છે તે પુરા કરું, એકલા એકલા તો આ બધું થઇ ના શકે ને? મારી પણ ઈચ્છા છે કે તું પણ મારી સાથે હોય. પણ તું? એક વાર વિચારી જો! આપણે અહીંયા ફાર્મહાઉસ પર આવ્યા, તું તારી જોડે બધાને લઈને આવી. શું કામ?
આરતી: પણ બધા એક સંગાથે હોય તો એ મને ગમે છે.
વિશ્વનાથ: મને ગમતું નથી. જરા પણ નહિ. મારો ફ્રેન્ડ પેટ્રિક કેટલીય વાર મને એની સાથે ઈજીપ્ત, રોમ વગેરે જગ્યાએ ફરવા બોલાવે છે, મને પણ નોર્વે જવું છે, સ્પેઇન જવું છે. નોર્વે અને સ્પેઇનની વચ્ચે મધ્ય રાત્રીનો ઉગતો સુરજ જોવો છે! વિશ્વ્ માં કેટલું બધું જોવું છે! તારું કદી મન નથી થતું મારી સાથે ફરવાનું, આ બધી જગ્યાઓ જોવાની? તું તો કોઈ દિવસ નહિ આવે તારો દીકરો, દીકરીઓ છોડીને, તારો આ ઘરસંસાર છોડીને.
(આવો હૃદયસ્પર્શી વાર્તાલાપ સાંભળતા સાંભળતા અન્ય રૂમમાં બેઠેલા તમામ લોકોની ભાવુક આંખોમાં આંસુ આવી જાય છે.)
આરતી: બસ? આટલું જ? ઠીક છે તો. હું વચન આપું છે કે હું સ્વાવલંબી થઈને દેખાડીશ. તમારી જે ઈચ્છા હોય એ કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેવું પણ ઈચ્છો, કરો. તમે ફરી આવો, એકલા,.
વિશ્વનાથ(ગમ્ભીર થઈને): આરતી,.....મારી એક વાત સાંભળ અને સમજ, તું મને નથી ચાહતી; તું તો માત્ર તારા ઘરસંસારને જ પ્રેમ કરે છે, તારા માટે એજ સર્વસ્વ છે. મારા માટે તારી કોઈજ લાગણીઓ નથી.
આરતી: મારા જીવનમાં, મારા માટે તમે અને મારો આ ઘરસંસાર એક જ છે, કંઈ અલગ અલગ નથી.
બીજા રૂમમાં બેઠેલા સહુ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. "અમે શું ધારતા હતા અને શું નીકળ્યું! "
આખરે વિશ્વનાથની ઈચ્છા મુજબ સહુ ભગ્નહૃદયે તેને ફાર્મહાઉસ પર એકલા છોડીને પાછા ફરે છે. આ બાજુ વિશ્વનાથ આટલા દિવસો, વર્ષોની સ્મૃતિઓને મનમાં લઈને વાગોળી વાગોળીને એકલો મૂંઝાય છે, તેને ગમતું નથી. આરતીના સંગાથને તે ખુબ મિસ કરે છે. સવારે મોર્નિંગ વૉકમાં જવાનું હોય કે ચા પીવાનો વખત હોય, તેને આરતીની ગેરહાજરી ખુબ સતાવે છે. રાત્રે ઊંઘમાં પણ આરતીને યાદ કરે રાખે છે. દિવસ રાત આરતીનો ચહેરો તેની નજર સામે આવીને ઉભો રહે છે.
********ચાર મહિના પછી*********
આરતી બેંકમાંથી ઘરે પાછી ફરતી હોય છે. ઘરે પહોંચીને જ્યાં થાક ખાવા બેસે ત્યાંજ કનકે બુમ પાડી: "બા.......; બાપુજી આવી ગયા...બાપુજી આવી ગયા"
આરતી અચંબિત થઇ જાય છે, પરાણે મનાવેલા મનને વાળવા તે સિલાઈ મશીન પર બેસવા જાય છે ત્યાં જ વિશ્વનાથે રૂમમાં પ્રવેશ કર્યો
વિશ્વનાથ: અંદર આવું?
આરતી: જતી વખતે તો કીધું નહિ કે જાઉં છું, સીધી છૂટાછેડાની નોટિસ આપી દીધી
વિશ્વનાથ અંદર આવીને બેસે છે. આરતી સિલાઈ મશીન પર કામે લાગી જાય છે.
વિશ્વનાથ: કેમ છે આરતી? (સંકોચ સાથે) હું આવ્યો, તને ગમ્યું નહિ?? તારા ચહેરા પર તો કોઈ ખુશી દેખાતી જ નથી!
આરતી: હાસ્તો,. જરા પણ ખુશ નથી. શું કામ પાછા આવ્યા? મને કોર્ટમાં જઈને ઉભી કરી, ખુશી થઇ. મારા 49 વર્ષના ઘરસંસારને "મૃત"કહીને જાહેર કરી દીધો, મને સાંભળવું પડ્યું, ખુશ થઇ હું. તમે અચાનક આવી રીતે મને સ્વાવલંબી બનાવવા ઈચ્છો, થવું તો પડે જ. ખુશી થઇ. હવે તો હું બેંક માં પણ જાઉં છું. SBI માં 28લાખની FD છે, બેંક ઓફ બરોડા માં 22લાખની FD છે, વર્ષે એક લાખ દસ હજારનું પ્રીમિયમ ભરાય છે, તમારા સાતેક જેટલા રોકાણો છે. AVIVA MAX LIFE INSURANCE ની peerless સ્કીમમાં બે રોકાણ છે, ના.. ના.. એ સ્કીમ તો હવે બંધ થઇ ગઈ છે. કેમ? બરાબર બોલીને હું? હવે ગૅસનું બુકિંગ પણ હું જાત્તે કરું છું. કનકની સાથે જઈને તેની વસ્તીમાં નાની છોકરીઓને સિલાઈકામ શીખવાડું છું. હું સ્વાવલંબી બની જ ગઈ ને?
વિશ્વનાથ: પણ હું તો ઘણા પ્રયત્નો કરીને પણ એકલો ના રહી શક્યો, સવારની ચા ગમે તેમ કરી એકલો બનાવીને પી લેતો, અને સાંજે? આળસી જતો. એકલા જમવાની ઈચ્છા જ થતી નહિ. આ ઉંમરે એકાકી જીવન કેટલું ભયંકર છે! તેની હવે ખબર પડી! મારી સાથેના ભાઈબંધો તો એક એક કરીને બધા સ્વધામ પહોંચી ગયા. ત્યાં ફાર્મ હાઉસે તો મારી સાથે ઝગડો કરવા માટે પણ કોઈ નહોતું, મારા શર્ટને સૂંઘીને ધોવા નાખી દે એવું તો કોઈ ત્યાં હતું નહિ.
(આટલું કહેતા કહેતા વિશ્વનાથનો સ્વર ગળગળો થઇ જાય છે અને આરતી એકચિત્તે અવાક બનીને સાંભળે છે)
વિશ્વનાથ: આરતી।.. લગ્નના 50 વર્ષ વીતવા આવ્યા તોય મારા જોડા પણ તે શોધીને આપ્યા છે. તું તો સ્વાવલંબી થઇ શકી! પણ હું ના થઇ શક્યો (બોલતા બોલતા આંખમાં આંસુ।) મને માફ કરી શકીશ?
આરતી: તમે પેટ્રિક સાથે જવાના હતા, શું થયું?
વિશ્વનાથ: ના, કેન્સલ કરી દીધું। હવે જઈશું તો બંને સાથે જઈશું, મધ્ય રાત્રીનો ઉગતો સૂરજ પણ એક સાથે જોઈશું, અને તેના પણ પહેલા ફરિદપુરમાં તારા પૂર્વજોનું મકાન જોવા જઈશું। ખબર છે? આટલા વખતે મને હવે સમજાય છે કે લેખક અને પ્રકાશક વચ્ચે નો સંબંધ પણ પતિ-પત્ની જેવો જ છે. અંદર લેખક રહે અને બહાર રહે પ્રકાશક, તું તો મારા જીવનની લેખક છે આરતી।
(મંદિરનો શંખ વાગે છે અને આરતી બંને હાથ જોડીને આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે)
વિશ્વનાથ: આરતી, શું માંગ્યું ભગવાન જોડે?શું પ્રાર્થના કરી?
આરતી (રડતા રડતા): મેં માંગ્યું કે ભગવાન મારા પહેલા તમને લઇ લે. કારણકે હું તો તમારા વિના જીવી લઈશ પણ તમે મારા વિના નહિ જીવી શકો.
*****************************વાર્તા પૂર્ણ *********************************
સાંભળી છેે આવી વાર્તા બોલિવૂડમાં કદી? આ વાર્તાને જીવંત કરી છે વેસ્ટ બંગાલના સુવિખ્યાત ઘડાયેલા મંજાયેલા કલાકારોએ: વિશ્વનાથના રોલમાં સૌમિત્ર ચેટર્જી અને આરતીના રોલમાં વેસ્ટ બંગાલના રંગમંચની વીતેલા વર્ષોની અભિનેત્રી સ્વાતિલેખા સેનગુપ્તા। ફિલ્મનું નામ છે "બેલા શેષે" મતલબ "ઢળતી સંધ્યાએ"
આ ફિલ્મ youtube પર અવેલેબલ છે, એ પણ અંગ્રેજી સબટાઇટલ સાથે। મજા આવશે, એક વાર તો જોઈ જોજો।
Thanks for bearing with me 
I will return with some new such heart touching story soon.

No comments:

Post a Comment